ધોડીઆ આદિવાસીઓ દ્વારા મહા મહિના ટાણે નદી કિનારાઓ પર 'ઉજવણાં' ધરાયાં.
ધોડીઆ આદિવાસીઓ દ્વારા મહા મહિના ટાણે નદી કિનારાઓ પર 'ઉજવણાં' ધરાયાં.
બહુધા દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના થાણે વિસ્તારમાં વસતા ધોડીઆ આદિવાસી સમુદાયના લોકો 'મહા' મહિના દરમિયાન અવસાન પામેલ વ્યકિતઓ માટેની છેલ્લી વિધિ 'ઉજવણાં' ધરે છે. પરંપરાગત આ વિધિને 'પરજણ' પણ કહે છે. ધોડીઆ આદિવાસીઓ માં જ જોવા મળતી આ પરંપરા અનુસાર એમની માન્યતા એવી છે કે 'સગા' દ્વારા આ વિધિ કરાય એના થકી જ મૃતાત્માને સદગતી મળી શકે. ધોડીઆ ભાષામાં એક જ કુળના એટલેકે એક લોહીના હોય એ 'સગા' અને અન્ય સગા સંબંધી હોય એમને 'પોતિકા' કહેવાય છે.
ઉજવણાંનો મહિનો એટલે કે 'મહા' મહિના ટાણે અલગ અલગ કુળના પટેલિયા એટલે કે આગેવાનો નક્કી કરે એ દિવસે અને સ્થળ પર એકઠા થઈ આ ઉજવણાં ધરાય છે. નદી કિનારો કે કોઈ મેદાની પ્રદેશમાં વિશેષતઃ આ માટે કુળના લોકો ભેગા થાય છે.
ધોડીઆ આદિવાસીઓમાં અઢીસો થી ત્રણ સો જેટલાં કુળ અસ્તિત્વ ધરાવે છે, જેવાં કે કોકણીઆ, કોલા, પાંચબડીઆ, નિતળ્યા, વાંસફોડીઆ, વાડવા, કોદર્યા, માંગીહુંગી ધાડયા, હાથી, શાહુ, અટારા, સાવક, નાગળા, સુવાંગ્યા, ડેલકર, ચટની ચોબડીઆ, દાંદુળીઆ, ભાટડા, સિધુરીઆ, વણજારીઆ, ગાયકવાડ, નાયક વગેરે…
૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ માત્ર ગુજરાત રાજ્યમાં ધોડીઆ આદિવાસીઓ ની વસ્તી ૬,૩૫,૬૯૫ જેટલી નોંધાયેલ છે.
આજના આધુનિક સમયમાં પણ આ સમુદાયે થોડાઘણા બદલાવો સાથે આ ઉજવણાંની પરંપરા જાળવી રાખેલી જોવા મળે છે.
અનાવલ ખાતે કાવેરી નદી તટે મહા મહિનામાં ઘણા કુળના લોકો ઉજવણાં માટે ભેગા થતાં મોટો ઉત્સવ હોય એવો માહોલ સર્જાય છે.
લેખ : કુલીન પટેલ
Comments
Post a Comment